સુરતના કામરેજમાં માહ્યાવંશી સમાજનો ઐતિહાસિક ‘મહાકુંભ’ યોજાયો
ભારતભરમાંથી સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા
સુરત જિલ્લાના કામરેજ ખાતે માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા આયોજિત માયાવંશી સમાજના પ્રથમ ‘મહાકુંભ’માં સમાજની એકતા અને શક્તિના દર્શન થયા હતા. સમગ્ર ભારતવર્ષમાં માયાવંશી સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને સમાજને સંગઠિત કરવાનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન માહ્યાવંશી વિકાસ મંચના સ્થાપક મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વર્ષ 2009માં શરૂ થયેલી યાત્રાના અનુસંધાને આજે ફરી એકવાર સમાજને સંગઠિત કરવાના આશયથી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક, સહકારી અને રાજકીય ક્ષેત્રે માયાવંશી સમાજનો અવાજ બુલંદ બને અને અન્ય સમાજોની સાથે ખભેખભો મિલાવીને પ્રગતિ કરે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.” આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ યુવા નેતૃત્વ રહ્યું હતું. એડવોકેટ વિજયભાઈ પરમાર અને તેમના પરિવારે આ સમગ્ર કાર્યક્રમને સ્પોન્સર કર્યો હતો, જે સમાજના યુવાનોમાં નવી ચેતના જગાડવા માટે મહત્વનું પગલું ગણાય છે.
આ મહાકુંભમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશો (દમણ, સેલવાસ) માંથી પણ મોટી સંખ્યામાં માયાવંશી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. આયોજક સમિતિએ ભરૂચથી લઈને અમદાવાદ સુધી પત્રિકા વિતરણ કરી સમાજને જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું, જેના ફળસ્વરૂપે વિશાળ જનમેદની ઉમટી પડી હતી..
