Site icon hindtv.in

સુરતના બારડોલીમાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ

સુરતના બારડોલીમાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ
Spread the love

સુરતના બારડોલીમાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ
1 કલાકના વરસાદમાં જ વિસ્તારોમાં ભરાયા પાણી
શામળિયા મોરા અને ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં જળબંબાકાર

બારડોલીમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શામળિયા મોરા અને ગાંધી રોડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બોક્સ ડ્રેઇનની ખામીયુક્ત ડિઝાઇનના કારણે પાણીનો નિકાલ અટકી જતાં જેસીબી દ્વારા પાળા તોડવા પડ્યા હતા. તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી સાથે જ બારડોલી નગરમાં ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. પ્રથમ વરસાદે જ બારડોલી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના શામળિયા મોરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્રના પોકળ વચનોથી નારાજ થયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાલિકાના પદાધિકારીઓનો ઘેરાવો કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોનો મુખ્ય આક્ષેપ છે કે ખાડી પર કરવામાં આવેલી બોક્સ ડ્રેઇનની કામગીરીમાં ભારે લાપરવાહી દાખવવામાં આવી છે. એન્જિનિયરિંગની ખામીયુક્ત ડિઝાઇનને કારણે ગટરના ચેમ્બર રોડ લેવલ કરતાં ઊંચા રાખવામાં આવ્યા છે, જેના પરિણામે પાણીનો કુદરતી નિકાલ ઠપ્પ થઈ ગયો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

પરિસ્થિતિ વધુ વણસતા અને ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ સર્જાતા તંત્રને દોડતું થવું પડ્યું હતું. અંતે, જેસીબી મશીન વડે ખાડીના પાળા તોડીને કૃત્રિમ રીતે પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ પાલિકાના આયોજન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. માત્ર શામળિયા મોરા જ નહીં, પરંતુ ગાંધી રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં તંત્ર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શું પગલાં ભરે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version