Site icon hindtv.in

શ્રી મઢી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણીનો માહોલ ગરમાયો

શ્રી મઢી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણીનો માહોલ ગરમાયો
Spread the love

શ્રી મઢી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની ચૂંટણીનો માહોલ ગરમાયો
સહકાર અને કિશન પરિવર્તન પેનલ વચ્ચે જંગ

​બારડોલી: દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રે અગ્રણી ગણાતી અને ૧૯ હજારથી વધુ સભાસદો ધરાવતી શ્રી મઢી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની સામાન્ય ચૂંટણી જાહેર થતાં જ બારડોલીના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ચૂંટણી લડવા માટે દાવેદારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો બારડોલી પ્રાંત કચેરી ખાતે વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. એક-બે ઝોનને બાદ કરતાં લગભગ તમામ ઝોનમાંથી બંને મુખ્ય પેનલોના ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

​આ ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલો વચ્ચે સીધો સંગ્રામ જોવા મળી રહ્યો છે. સંસ્થાના પૂર્વ પ્રમુખ સમીર ભક્તના નેતૃત્વ હેઠળ ‘સહકાર પેનલ’ના ૧૫ ઉમેદવારોએ બારડોલી પ્રાંત કચેરી ખાતે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભર્યા બાદ સહકાર પેનલના આગેવાનોએ દાવો કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં મંડળીની પ્રગતિ અને નાણાકીય સદ્ધરતા માટે તેમની ટીમે પારદર્શક કામગીરી કરી છે. સભાસદોના વિશ્વાસ અને સાથ-સહકારથી સંસ્થા સતત વિકાસના પંથે આગળ વધી રહી છે. આગામી ૫ વર્ષ ખેડૂતો અને સભાસદો માટે વધુ સમૃદ્ધિદાયી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા આગેવાનોએ આક્ષેપબાજીથી દૂર રહી, સંસ્થાના હિતમાં કામ કરવા અપીલ કરી હતી અને સહકાર પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું. બીજી તરફ, સંસ્થામાં પરિવર્તનના નારા સાથે ‘કિશન પરિવર્તન પેનલ’ મેદાનમાં ઉતરી છે. જીતુ પટેલના નેતૃત્વ હેઠળ આ પેનલના ૧૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જીતુ પટેલે પોતાની પેનલની જીતનો સબળ દાવો વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે જાહેર સભામાં પૂર્વ પ્રમુખ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને ચૂંટણીનો માહોલ વધુ ગરમ કરી દીધો છે. બંને પેનલો દ્વારા જીતના દાવાઓ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ જતાં આ વખતની મઢી સુગરની ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે..

Exit mobile version