Site icon hindtv.in

દાહોદના ઝાલોદમાં મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો.

દાહોદના ઝાલોદમાં મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો.
Spread the love

દાહોદના ઝાલોદમાં મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો.
ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો.
થેરકા ગામ પાસે માછણ નદી કિનારેથી મળ્યો મૃતદેહ.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં એક ચોંકાવનારી અને સંશયાસ્પદ ઘટના સામે આવી છે. ઝાલોદના ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી અને રામદેવ ભગવાનના ભગત તરીકે જાણીતા નગીનભાઈ વિરાભાઈ ભુનાતરની થેરકા ગામે આવેલ પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે શંકાસ્પદ અને લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ ભુનાતર ૧૧ માર્ચના રોજ સાંજે આશરે ૪ વાગ્યાના સમયે ભજન-કીર્તન માટે બહાર ગયા હતા. રાત્રિ દરમિયાન પરિવારજનોએ તેમના મોબાઇલ પર અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં ચિંતા વધી ગઈ હતી. આ દરમિયાન ૧૨ માર્ચના રોજ બપોરના સમયે થેરકા ગામ નજીક પંચકૃષ્ણ મંદિર પાછળ માછણ નદીના કિનારે એક વ્યક્તિ પડેલી હોવાની માહિતી મળી હતી. ખેતરમાં કામ કરતા ખેડૂતોની નજર નદી કિનારે પડેલા વ્યક્તિ પર પડતાં તેઓ નજીક જઈ તપાસ કરતા તે રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ હોવાનું સામે આવ્યું હતું. તેઓ કોઈ હરકત ન કરતા મૃત હાલતમાં દેખાતા તાત્કાલિક તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ, ઝાલોદ પી.આઈ રવિ ગામીત, દાહોદ જીલ્લા એઓજી તેમજ એલસીબીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સમગ્ર સ્થળને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે અને ઘટનાની ગંભીરતા જોતા એફ.એસ.એલ ટીમ તેમજ ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવ્યા છે. સૂત્રો મુજબ પૂજારી નગીનભાઈ સામાન્ય રીતે સોના-ચાંદીના દાગીના પહેરતા હતા, પરંતુ જ્યારે તેમની લાશ મળી ત્યારે શરીર પર એકપણ દાગીના જોવા મળ્યા નહોતા. સાથે સાથે શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વધુ મજબૂત બની રહી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક નગીનભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ એંગલ પરથી તપાસ કરવામાં આવી રહી છે, તેમજ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ તેજ કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version