ભાવનગરમાં ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
એલસીબીએ પતિ-પત્નીને ઝડપી પાડ્યાં
રૂ. 5.57 લાખથી વધુના સોનાના દાગીના કબજે
મામા કોઠા રોડ પરથી બંને શંકાસ્પદ આરોપીઓ ઝડપાયાં
ભાવનગરમાં ઘરફોડ ચોરીના બનાવમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે રૂ. 5 લાખ 57 હજારથી વધુની કિંમતના સોનાના દાગીના સાથે પતિ-પત્નીને ઝડપી પાડ્યાં છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આરોપી અગાઉ એક મકાનમાં ઘરકામ કરતી હતી અને તે દરમિયાન કબાટમાંથી સોનાના દાગીના ચોર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસ મથકને સોંપ્યાં છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે મહત્વની સફળતા મળી છે. તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શહેરના મામા કોઠા રોડ પર ન્યાયાધીશવાળા ખાંચામાં રિક્ષા સ્ટેન્ડ પાછળ એક દંપતી શંકાસ્પદ સોનાના દાગીના સાથે ઊભું છે. પોલીસે સ્થળ પર તપાસ કરતાં રમજાન રહિમભાઈ મકવાણા અને તેની પત્ની રોશનબેન મળી આવ્યાં હતાં. પોલીસે દાગીનાના આધાર-પુરાવા અને બિલ માગતાં બંને સંતોષકારક જવાબ આપી શક્યાં નહોતાં. જેથી પોલીસે સોનાના દાગીના શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરીને બંનેની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ દરમિયાન મહિલા આરોપી રોશનબેને આશરે અઢી મહિના પહેલાં ખદીજાબેન ફેઝારભાઈ કપાશીના ઘરે ઘરકામ કરતી વખતે કબાટમાંથી સોનાના દાગીના ચોર્યા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. બંને આરોપીઓ આ દાગીના બજારમાં વેચવા જઈ રહ્યાં હતાં ત્યારે પોલીસના હાથે ઝડપાયાં હતાં. કબજે કરાયેલ મુદ્દામાલ: પોલીસે બે સોનાની બંગડીઓ, ત્રણ સોનાની વીંટીઓ અને અરબી ભાષામાં ‘અલ્લાહ’ લખેલું સોનાનું પેન્ડન્ટ સહિત કુલ રૂ. 5,57,824ની કિંમતના દાગીના કબજે કર્યા છે. આ મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 331(3), 331(4) અને 305(એ) હેઠળ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસ મથકને સોંપવામાં આવ્યાં છે.

