Site icon hindtv.in

ગાંધીનગરના ધારાસભ્ય ક્વાર્ટર ખાતેથી અભિયાનનો પ્રારંભ

ગાંધીનગરના ધારાસભ્ય ક્વાર્ટર ખાતેથી  અભિયાનનો પ્રારંભ
Spread the love

ગાંધીનગરના ધારાસભ્ય ક્વાર્ટર ખાતેથી અભિયાનનો પ્રારંભ
ગુજરાતને યોગમય બનાવવાના વિશેષ અભિયાનનો પ્રારંભ
181 ધારાસભ્યોમાંથી માત્ર 25 જેટલા સભ્યો જ હાજર રહ્યા

રાજ્ય સરકાર જ્યારે સમગ્ર ગુજરાતને ‘મેદસ્વીતા મુક્ત’ બનાવવાના અભિયાન પર ભાર મૂકી રહી છે, ત્યારે રાજ્યના જનપ્રતિનિધિઓ જ આ બાબતે ગંભીર ન હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા ધારાસભ્ય ક્વાર્ટરમાં ધારાસભ્યો માટે આયોજિત બે દિવસીય યોગ શિબિરમાં કુલ 181 ધારાસભ્યોમાંથી માત્ર 25 જેટલા સભ્યો જ હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ વધતી જતી મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વર્ષને ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત’ અભિયાન તરીકે જાહેર કર્યું છે. આ વિઝનને સાકાર કરવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ધારાસભ્યોની પાંખી હાજરીએ આ અભિયાનની સફળતા સામે સવાલો ઊભા કર્યા છે. આ શિબિરની સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે, હાજર રહેલા તમામ 25 ધારાસભ્યો માત્ર શાસક પક્ષ ભાજપના જ હતા. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ધારાસભ્ય આ શિબિરમાં જોડાયા નહોતા. ખુદ પોતાના નિવાસસ્થાનના પ્રાંગણમાં જ કાર્યક્રમ હોવા છતાં મોટાભાગના ધારાસભ્યોએ હાજર રહેવાનું ટાળ્યું હતું.

વિધાનસભા સત્ર દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના આ ઉમદા પ્રયાસને ધારાસભ્યોએ ગંભીરતાથી લીધો નથી તે સ્પષ્ટ જણાઈ આવે છે. વડાપ્રધાનના ફિટ ઈન્ડિયાના વિઝનને આગળ ધપાવવા માટે આયોજિત આ કાર્યક્રમમાં લોકપ્રતિનિધિઓની આળસ ચર્ચાનો વિષય બની છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલની આગેવાનીમાં ધારાસભ્યોને સંદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાના મતવિસ્તારમાં ‘એક બૂથ, એક યોગ ક્લાસ’ના અભિગમ સાથે યોગનો વ્યાપ વધારે. સરકારનો હેતુ ગુજરાત વિધાનસભાને ‘યોગમય વિધાનસભા’ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. પરંતુ જ્યારે ધારાસભ્યો પોતે જ શિબિરમાંથી અંતર જાળવી રહ્યા હોય, ત્યારે જનતામાં આ સંદેશ કેવી રીતે પહોંચશે તે એક મોટો પ્રશ્ન છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version