Site icon hindtv.in

સુરતના માંગરોળના કસાઈઓ બેખૌફ બન્યા

સુરતના માંગરોળના કસાઈઓ બેખૌફ બન્યા
Spread the love

સુરતના માંગરોળના કસાઈઓ બેખૌફ બન્યા
હથોડા ગામમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા
૭ પીઆઈ, ૧૫ પીએસઆઈ સહિત 15 ટીમો દ્વારા કોમ્બિંગ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્ત્વોએ હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે. આ હુમલામાં એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા છે, જ્યારે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

બુધવારે તા.25મી ફેબ્રુઆરી મોડી રાત્રે સુરત જિલ્લાના કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન છ જેટલા શખસો બાઈક પર આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ શખસોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ પર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા. જેમાં ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હુમલામાં બે પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ઘટનાની ગંભીરતા જોતા સુરત જિલ્લા પોલીસ વડા (SP) રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. DySP બી.કે. વનારની આગેવાનીમાં કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખસોની અટકાયત કરવામાં આવી છે. FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ ગૌરક્ષક સાજન ભરવાડે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘હથોડા, કોસલી અને ઝંખવાવ જેવા સંવેદનશીલ ગામોમાં અવારનવાર ગૌહત્યાની રજૂઆત કરવા છતાં તંત્ર કડક પગલાં લેતું નથી. પોલીસનો ડર રહ્યો ન હોય તેમ કસાઈઓ હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે.’ હાલમાં ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version