માંડવીમાં બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
માંડવી તાલુકામાં આવેલ માછીવાડની ઘટના
મકાનમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએપોલીસને જાણ કરી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ માછીવાડ ખાતે બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો.
: માંડવી ના માછીવાડ વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએપોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મકાનનું તાળું તોડ્યું ત્યારે અંદરથી એક મહિલાનો મૃતદેહ દેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાનો પતિ ૧લી જુલાઈથી ગાયબ હોવાથી આ ઘટના હત્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માછીવાડમાં શશીભાઈ ચૌહાણની માલિકીનું એક મકાન છે, જે તેમણે ભાડે આપ્યું હતું. આ મકાનમાં છેલ્લા એક-બે મહિનાથી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો દિનેશ ડામોર તેની પત્ની સાથે રહેતો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી આ મકાન બહારથી તાળું મારેલી હાલતમાં હતું. શુક્રવારે બપોરે મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ ઈન્સ્પેક્ટર એ. એસ. ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મકાનના દરવાજા પર લાગેલું તાળું તોડીને અંદર પ્રવેશ કરી, ત્યાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ સુમિત્રાબેન દિનેશભાઈ ડામોર (ઉ.વ૩૮) તરીકે થઈ છે. તેઓ મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચિતવા ગામના રહેવાસી હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ની ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. હાલ પોલીસ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને ફરાર પતિ દિનેશ ડામોરને શોધવા માટે -ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. પતિ ૧લી જૂનથી ગાયબ હોય તેના પર શંકાની સોઈ સેવાઈ રહી છે..