આજથી શારદીય નવરાત્રીના પાવન પર્વનો શુભ પ્રારંભ
સુરતમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોમાં ભારે ઉત્સાહ
પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ
આજથી શારદીય નવરાત્રીના પાવન પર્વનો શુભ પ્રારંભ થયો છે, ત્યારે સુરતમાં પણ માતાજીની આરાધનાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
સુરતમાં શારદીય નવરાત્રીના પ્રથમ નોરતે જ ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો છે. શહેરના અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંગળા આરતી સાથે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. બોલ માડી અંબે, જય જય અંબેના ગગનભેદી નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પ્રથમ નોરતે માતાજીનાં દર્શનનું વિશેષ મહત્ત્વ હોવાથી ભક્તો લાંબી કતારોમાં ઊભા રહી પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. મહિલાઓ, બાળકો અને વડીલોમાં પણ માતાજીનાં દર્શનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

