વ્યારાના મહાદેવનગરમાં તંત્રની દબાણ હટાવવાની કાર્યવાહી
છેલ્લી નોટિસ બાદ રહીશોએ સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કર્યા, ૧૪ પરિવારો આશ્રયવિહોણા
તાપી જિલ્લાના વ્યારામાં આવેલા મહાદેવનગરમાં આજે બ્લોક નંબર ૪૫૯ ની સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે તંત્રના કડક વલણ અને સ્થાનિક પરિવારોના સંઘર્ષ વચ્ચે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
વહીવટી તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી જમીન પર કરવામાં આવેલા તમામ દબાણો ગેરકાયદેસર હતા. આ બાબતે અગાઉ તંત્ર દ્વારા રહીશોને વારંવાર નોટિસો ફટકારીને જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી. છેલ્લી નોટિસમાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, જો નિર્ધારિત સમયમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો સરકારી મશીનરી (બુલડોઝર) નો ઉપયોગ કરીને દબાણ હટાવવામાં આવશે. જોકે, કાર્યવાહીના સમયે તંત્રએ મશીનરીનો ઉપયોગ કરવાની ફરજ પડે તે પહેલાં જ રહીશોને જગ્યા ખાલી કરવા માટે સમજાવતા, રહીશોએ સ્વૈચ્છિક રીતે પોતાના કાચા મકાનો અને બાંધકામ દૂર કરીને જગ્યા ખાલી કરી હતી.
બીજી તરફ, દાયકાઓથી અહીં વસવાટ કરતા ૧૪ પરિવારોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ અત્યંત ગરીબ છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. કાર્યવાહી બાદ હાલ મહાદેવનગર વિસ્તારમાં રહેણાંક મકાનોના કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. ૧૪ પરિવારોના નાના બાળકો અને વૃદ્ધો સહિતના સભ્યો ખુલ્લા આકાશ નીચે આવી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકારી મશીનો ન ચલાવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ગરીબ પરિવારોના વિસ્થાપન અને તેમના પુનઃવસન અંગેનો માનવીય પ્રશ્ન હાલ વ્યારામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે…

