સુરતના ગોડાદરામાં આવેલા સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ વિવાદ
પ્રોજેક્ટને લઈ વર્ષોથી ચાલતા વિવાદ અંત આવ્યો
રોકાણકારોને તેમની મૂડી પરત આપવાની બિલ્ડરો દ્વારા સહમતિ
સુરતના ગોડાદરામાં આવેલા સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ પ્રોજેક્ટને લઈ વર્ષોથી ચાલતા વિવાદ અંત આવ્યો છે. બિલ્ડરો અને રોકાણકારો વચ્ચે યોજાયેલી બેઠકમાં રોકાણકારોને તેમની મૂડી પરત આપવાની બિલ્ડરો દ્વારા સહમતિ થઈ હતી.
સુરતના વેસુ વિસ્તારમાં સિદ્ધિ વિનાયક મંદિર નજીક આવેલા નિયોન બેન્ક્વેટ ખાતે ગોડાદરા ખાતે આવેલ સ્વસ્તિક માર્કેટના બિલ્ડર ભાગીદારો અને રોકાણકારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બિલ્ડર કનુભાઈએ રોકાણકારોને તેમની રોકાણ કરેલી રકમ પરત આપવા પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ બિલ્ડર ભાગીદારોએ સ્વીકારી લીધો હતો. વાત એમ છે કે ગોડાદરા રોડ પર વર્ષ 2017માં સ્વસ્તિક માર્કેટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. જેમાં અનેક કાપડ વેપારીઓ અને રોકાણકારોએ દુકાનો માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું.
જોકે લાંબા સમય સુધી બાંધકામ પૂર્ણ ન થતાં રોકાણકારોની મૂડી ફસાઈ ગઈ હતી અને અસંતોષ વધતો ગયો હતો. અંદાજે બે વર્ષ પહેલા પણ રોકાણકારોએ માર્કેટ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે સમયે કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો ન હતો. જો કે શનિવારે યોજાયેલી બેઠક દરમિયાન એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું, પરંતુ ચર્ચા બાદ ઉકેલ મળી ગયો હતો. અને બિલ્ડરોએ પરસ્પર સહમતિથી અંદાજે છથી સાત મહિનામાં રોકાણકારોની રકમ પરત આપવાનો વિશ્વાસ આપ્યો છે. આ સાથે વર્ષોથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થયો છે અને રોકાણકારોમાં રાહત જોવા મળી હતી.

