સુરતમાં ફરી એક યુવાનનુ હોટલમાં શંકાસ્પદ મોત
સ્ત્રી મિત્ર સાથે વેલેન્ટાઈન હોટલમાં ગયો હતો
હાલ શંકાસ્પદ મોતને લઈ તપાસ હાથ ધરાઈ
સુરતમાં ફરી એક યુવાનનુ હોટલમાં શંકાસ્પદ મોત નિપજ્યુ છે. પર્વત પાટીયાનો યુવાન ડિંડોલી ખાતે વેલેન્ટાઈન હોટલમાં ગયો હતો જ્યાં તેની તબીયત લથડ્યા બાદ મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ શંકાસ્પદ મોતને લઈ તપાસ હાથ ધરાઈ છે.
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલો 28 વર્ષીય યુવક વિનેશ વિક્રમભાઈ પટેલ પોતાની પ્રેમિકા સાથે ડિંડોલીના જી નાઈન કોમ્પ્લેક્સમાં આવેલી વેલેન્ટાઈન હોટલમાં ગયો હતો. બપોરે અંદાજે 3:30 વાગ્યાના અરસામાં હોટલના રૂમમાં જ અચાનક વિનેશની તબિયત લથડી હતી અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં યુવક ઢળી પડતા પ્રેમિકા ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વિનેશની પ્રેમિકાએ તુરંત તેના ભાઈ સમીરને ફોન કરીને જાણ કરી હતી. ભાઈ સમીર અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક હોટલ પર પહોંચી હતી. જોકે, એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફે તપાસ કરતા વિનેશના શરીરમાં કોઈ હલચલ જણાતી નહોતી. પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે અને હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. તો ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે. મૃતક વિનેશ અને તેની સાથે હોટલમાં હાજર યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ જાણવા મળતી વિગત મુજબ પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર નહોતાં. હાલ તો ડિંડોલી પોલીસે યુવાનના શંકાસ્પદ મોત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

