સુરતના સરસાણા ઓજી નવરાત્રીમાં સુરક્ષાની ગંભીર બેદરકારી સામે આવી
ફાયર વિભાગના સઘન ચેકિંગ દરમિયાન ગેરરીતિઓનો પર્દાફાશ
મંજૂર એનઓસીના પ્લાનમાં ફેરફાર કરી આયોજન કરાયું હોવાનો ખુલાસો
સુરતના સરસાણા સ્થિત ઓજી નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા સાથે ગંભીર બેદરકારી ફાયર વિભાગના સઘન ચેકિંગ દરમિયાન સામે આવી હતી. મંજૂર એનઓસી પ્લાનમાં ફેરફાર કરીને આયોજન કરવામાં આવ્યું હોવાની બાબત તપાસમાં સામે આવતા તાત્કાલિક ગરબાનુ આયોજન બંધ કરાવાયુ હતું.
સુરતના સરસાણા ખાતે યોજાઈ રહેલા ઓજી નવરાત્રીમાં સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો હતો. ફાયર વિભાગની તપાસ દરમિયાન એસી ડોમમાં બિન્દાસ્ત રીતે સાત ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. સાથે જ ખુલ્લી વાયરિંગ પણ જોવા મળી હતી. મંજૂર એનઓસી પ્લાનથી અલગ રીતે આયોજન કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવતાં ખેલૈયાઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક ગેસ સિલિન્ડર દૂર કરાવી ડોમ બંધ કરાવ્યો હતો. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે એફિડેવિટ કરવામાં આવતાં ફરી ગરબા શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, હવે તંત્ર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા અને નવેસરથી એનઓસી મેળવ્યા બાદ જ ગરબા શરૂ કરી શકાશે. ખેલૈયાઓની સુરક્ષાને નેવે મૂકીને કરવામાં આવેલા આયોજન સામે તંત્રની કાર્યવાહીથી આયોજકોમાં દોડધામ મચી હતી.

