સુરતની રાંદેર પોલીસ વિવાદમાં
બિનવારસી થેલીમાંથી મળેલી રોકડ પોલીસે ચોરને સોંપી
દક્ષેશે તા.26 મીએ કતારગામમાં મકાન માલિકને ત્યાંથી ચોરી કરી હતી.
સુરતની રાંદેર પોલીસ વિવાદમાં આવી છે. રામનગર પાસેથી બિનવારસી મળેલી બાઈક પર લટકાવાયેલી થેલીમાંથી મળેલી રોકડ પોલીસે ચોરને આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કર્યો હતો જો કે જેના ત્યાંથી પૈસા ચોર્યા હતા તે માલિકે ફરિયાદ કરતા ચોર હાલ જેલ ભેગો થયો છે.
રાંદેર રામનગર પાસે બિનવારસી બાઇકની ડીકીમાંથી 2.69 લાખની રોકડ મળી હતી. જેને રાંદેર પોલીસે એક યુવકને પરત કરી હતી. જો કે, પોલીસે આ બાબતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં રકમના અસલ માલિકે તે વીડિયો જોયો હતો, જેમાં એ યુવક ચોર હોવાનું જણાતા તેમણે પોલીસને જાણ કરી હતી. કતારગામ પોલીસે કતારગામ પંચદેવ સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા દક્ષેશ અરવિંદ પટેલને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતાં તેણે મકાન માલિકને ત્યાં કબાટમાંથી 4.55 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 1 લાખના દાગીના અને 2 લાખની રોકડ કબજે કરી છે. બાકીની રિકવરી કરવા તપાસ શરૂ કરી છે. દક્ષેશે 26મીએ ગ્રાઉન્ડ ફલોર પર રહેતા મકાન માલિકને ત્યાંથી ચોરી કરી હતી. ચોરી કર્યા પછી આરોપી ત્યાંથી ગાયબ થયો હતો અને તેનો મોબાઇલ પણ બે દિવસ સુધી બંધ રહ્યો હતો.

