સુરતની લસકાણા પોલીસે ચેઈન સ્નેચિંગ રીઢાને ઝડપ્યો
લસકાણા સાથે ઉત્રાણ અને કેશોદ તથા જુનાગઢમાં ગુના
સોનાની ચેઇનો અને ઓગાળેલું સોનું મળી મુદ્દામાલ કબજે કર્યો
સુરતની લસકાણા પોલીસે ચેઈન સ્નેચિંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી લસકાણા સાથે ઉત્રાણ અને કેશોદ તથા જુનાગઢ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપી પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સુચનાને લઈ લસકાણા પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જયસુખભાઈ તથા અપોકો મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ચેઈન સ્નેચિંગના રીઢા આરોપી રાજકોટના વૃષાંત ઉર્ફે શ્યામ વિજય લાલજી ઘનેશા ને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરૂદ્ધ સુરતના લસકાણા અને ઉત્રાણ તથા કેશોદ અને જુનાગઢમાં પણ મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન સ્નેચીંગના ગુનાઓ નોંધાયેલા છે. આરોપી મર્ડરના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરી મહિલાઓને નિશાન બનાવી ગુનાઓ આચરી રહ્યો હતો. હાલ તો લસકાણા પોલીસે આરોપી પાસેથી લસકાણા, ઉત્રાણ અને કેશોદ સહિતના વિસ્તારોમાં થયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં લૂંટાયેલી સોનાની ચેઇનો અને ઓગાળેલું સોનું મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપી સ્પોર્ટ્સ બાઈક પર મહિલાઓનો પીછો કરી ગળામાં પહેરેલી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ જતો હતો.

