સુરત સાયબર ક્રાઈમની કાર્યવાહી
3 વર્ષથી ફરાર આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો
સુરત સાયબર ક્રાઈમ પોલીસે બે અલગ-અલગ સાયબર ફ્રોડ કેસમાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી દુબઈથી મુંબઈ એરપોર્ટ પર આવતા જ એલઓસીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સુરતમાં સાયબર ફ્રોડના બે અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યુ હતુંકે આરોપી સાહીબ તંબુવાલા બે સાયબર ફ્રોડ કેસમાં સંડોવાયેલો હતો. એક કેસમાં યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ અને ટાસ્ક પૂર્ણ કરવાના નામે ફરિયાદી પાસેથી 30 લાખ 20 હજાર 137 પડાવી લેવામાં આવ્યા હતા. જેમાં માત્ર 30 હજાર 450 પરત કરી બાકીની રકમ પરત ન આપી છેતરપિંડી કરાઈ હતી. બીજા કેસમાં ફરિયાદીની ફર્મના નામે બનાવટી દસ્તાવેજો અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને આઈસીઈગેટ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફરિયાદીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કોડનો ઉપયોગ કરી રોસસીટીએલ યોજના હેઠળ મળેલી 95 લાખ 42 હજાર 831ની ઈસ્ક્રીપ્સ માંથી 54 લાખ 25 હજાર 767ની ઈસ્ક્રીપ્સ અન્ય વ્યક્તિઓને ટ્રાન્સફર કરી હતી. તો સાયબર ક્રાઈમની ટેકનિકલ તપાસ દરમિયાન આરોપીની એલઓસી કરવામાં આવી હતી. આરોપી દુબઈથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જ એલઓસીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપીએ કમિશન લઈને બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એક કેસમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતામાં માત્ર બે દિવસમાં 5.17 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા અને એનસીસીસીઆરપી પોર્ટલ પર આ ખાતા સામે અલગ-અલગ રાજ્યોમાં 49 ફરિયાદો નોંધાયેલી છે.

