સુરત : ગુજરાતના ઇતિહાસમાં એક અસામાન્ય ઘટના સામે આવી
વૃદ્ધ ડૉક્ટરે હૉર્ડિંગ્સ લગાવી પોલીસ-ગૃહમંત્રીનો આભાર માન્યો
કુખ્યાત ગેંગ વિરુદ્ધ ન્યાય મળતાં લખ્યું- આ નટોરિયસ ક્રિમિનલો સદ્દામ
ગોદીલ ગેંગને કાનૂની સબક શિખવાડવા બદલ ખૂબ ખૂબ આભાર’
સુરત પોલીસે ગુજસુટીકોની ગેંગ પાસેથી ડોક્ટરનો પડાવાયેલો કરોડોનો બંગલો પરત અપાવતા ડોક્ટરે ગૃહમંત્રી અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કરતા બેનર માર્યા હતાં.
ગુજરાતના ઇતિહાસમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે, જ્યાં એક ફરિયાદીએ પોલીસનો આભાર માનવા અને પોતાને ન્યાય અપાવનાર અધિકારીઓને બિરદાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુખ્યાત સદ્દામ ગોદીલ ગેંગ વિરુદ્ધ મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે. ત્રણ વર્ષથી ગેરકાયદેસર કબજામાં રહેલો પોતાનો 3.5 કરોડનો બંગલો પરત મળતાં વૃદ્ધ ડોક્ટરે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય રીતે કોઈ ગેંગસ્ટર અથવા માથાભારે તત્વો સામે ફરિયાદ કરનાર વ્યક્તિ ડરના માર્યા ગુપ્તતા જાળવતો હોય છે, ત્યારે સુરતના ડો. ઝાકીર મેમન નામના વૃદ્ધ ફરિયાદીએ સાહસિકતા દાખવી છે. પોતાનો બંગલો પરત મળ્યા બાદ તેમણે સુરતના ચાર અલગ-અલગ સ્થળોએ મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ હોર્ડિંગ્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, એસઓજીની ડીસીપી રાજદીપ સિંહ નકુમ અને એસઓજીના પીઆઈ અતુલ સોનારાની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. હોર્ડિંગ્સ પર મુખ્ય સંદેશ તરીકે લખવામાં આવ્યું છે કે આ નટોરિયસ ક્રિમિનલો સદ્દામ ગોદીલ ગેંગને કાનૂની સબક શિખવાડવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરિયાદી દ્વારા ગેંગ વિરુદ્ધ જાહેર માધ્યમ પર આ રીતે આભાર વ્યક્ત કરવો એ ગુજરાતમાં એક પ્રથમ ઘટના ગણાય છે.
