સુરત ભટારના ચોરીની ઘટનાથી પોલીસ દોડતી થઇ
ચોરોએ રોકડા, મોબાઇલ સહીત જરુરી દસ્તાવેજની ચોરી કરી
સુરતમાં વધી રહેલી ચોરી ની ઘટનાઓ વચ્ચે ભટારની સાઈનાથ-1 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પાર્ક કરાયેલા આઇસર ટ્રકને નિશાન બનાવી ચોરોએ રોકડ, મોબાઇલ અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
સુરતના ભટાર સ્થિત સાઈનાથ-1 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવી છે. અમદાવાદથી સીટ ફોર્મનો માલ લઈને આવેલા આઇસર ટ્રકને ચોરોએ નિશાન બનાવ્યો હતો. ચોરોએ ટ્રકની કેબીન આગળ લાગેલી કાચની રબલ પટ્ટી કાપીને ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો. તે સમયે ટ્રક ડ્રાઇવર કેબીનમાં સુતો હતો અને ચોરોએ તેનો લાભ લઈ ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ ટ્રકમાંથી અંદાજે દસ હજાર રૂપિયાની રોકડ સાથે આઇફોન અને ઓપ્પો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરી હતી. આ ઉપરાંત સુતેલા ડ્રાઇવરના ખિસ્સા કાપી ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના જરૂરી આઈડી પ્રૂફ પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે બે દિવસ અગાઉ પણ બે શખ્સો દ્વારા એસીના કોપર પાઇપની ચોરી કરવામાં આવી હતી, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

