સુરતમાં રસોઈ જેવા સામાન્ય ઝઘડામાં આપઘાત
માતાએ બે દીકરીઓને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો
હાલ બન્ને દીકરીઓની હાલત સામાન્ય
સુરતમાં રસોઈ જેવા સામાન્ય ઝઘડામાં માતાએ બે દીકરીઓને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. તો હાલ બન્ને દીકરીઓની હાલત સામાન્ય છે. બનાવને લઈ આખા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ડભોલી વિસ્તારમાં 15 એપ્રિલે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળીને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અને ત્યારબાદ પતિને ફોન કરી મારે હવે જીવવુ નથી તેમ કહ્યુ હતું. જો કે માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે 16 એપ્રિલ માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બન્ને દીકરીની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બનાવને લઈ પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.

