સુરતના અડાજણ ખાતે શેલ્બી હોસ્પિટલમાં કિડનીના સફળ ટ્રાન્સપ્લાન્ટ
3 મહિનામાં 12 જેટલા કિડનીના સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયા
ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર વિશ્વાસ મૂકી રહ્યા છે
સુરતના અડાજણ ખાતે આવેલ શેલ્બી હોસ્પિટલમાં 3 મહિનામાં 12 જેટલા કિડનીના સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયા હોય જેને લઈ મુંબઈ અને અમદાવાદ પરની નિર્ભરતા ઘટી છે. અને ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર વિશ્વાસ મૂકી રહ્યા છે તેમ શેલ્બીના ડોક્ટરોએ જણાવ્યુ હતું.
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતા સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે. આ સફળતાએ શહેરને મેડિકલ ટુરિઝમના નકશા પર પણ મજબૂત સ્થાન અપાવ્યું છે. શેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર નીરવ શાહે જણાવ્યું હતું કે, પહેલાં લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતાં હતા. પરંતુ હવે સુરત એવી સિટી બની ગઇ છે કે જ્યાં કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ મહિનામાં થયેલા તમામ 12 ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા છે અને આગામી સમય માટે મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ક્વાયરી કરી રહ્યા છે.
હાલમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ શરૂઆત થઈ છે, પરંતુ ભવિષ્યમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સહિત અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં પણ આગળ વધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડૉ. મુકેશ ગોયલે જણાવ્યું હતું કે અમને ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળ્યા બાદ છેલ્લા થોડા મહિનામાં જ 12 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને તે બધા સફળ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સુરત હવે માત્ર શહેર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે. ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એક જટિલ સર્જરી છે જેમાં નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે. તેમાં મુખ્યત્વે નેફ્રોલોજિસ્ટ, યુરો સર્જન અને એનસ્થેટિસ્ટનો મહત્વપૂર્ણ રોલ હોય છે. તો પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી.

