ભાવનગર રામાનંદી સાધુ સમાજના આગેવાનો દ્વારા એસપીને રજુઆત
સીદસર વિસ્તારમાં તબીબના પિતા પર હુમલાની ઘટના,
ક્લિનિક બંધ કરાવવાની ધમકી આપી લાકડીથી ફટકાર્યા
ભાવનગરના સીદસર રોડ પર આવેલા એક ક્લિનિકમાં ઘૂસીને તબીબના પિતા પર લાકડી વડે જીવલેણ હુમલો કરવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના પગલે આજરોજ રઘુનંદન રામસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં એસપી (SP) કચેરી ખાતે દોડી આવ્યા હતા અને હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.
મળતી માહિતી મુજબ, ભાવનગરના ઇસ્કોન ઇલેવન વિસ્તારમાં રહેતા નરેન્દ્રદાસ બંસીદાસ વૈષ્ણવ તેમના પુત્ર ડો. સિદ્ધાર્થના ‘મહાવીર ક્લિનિક’ ખાતે આસિસ્ટન્ટ તરીકે સેવા આપે છે. ગત તા. 2 જુલાઈના રોજ સુરેશ કાવાભાઈ ચાવડા નામના શખ્સે નરેન્દ્રદાસને ફોન કર્યો હતો. તેણે ક્લિનિક ખોટી રીતે ચાલતું હોવાનો અને દર્દીઓને લૂંટતા હોવાનો પાયાવિહોણો આક્ષેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફોન પર ધમકી આપ્યા બાદ, બીજા જ દિવસે એટલે કે ગત તા. 3 જુલાઈના રોજ સવારે દસેક વાગ્યે આરોપી સુરેશ ચાવડાએ ફરીથી ફોન કરી ક્લિનિકે આવી જવાની ધમકી આપી હતી. આ ધમકી આપ્યાની થોડી જ વારમાં આરોપી હાથમાં લાકડી લઈને ક્લિનિકની અંદર ધસી આવ્યો હતો. ક્લિનિકમાં પ્રવેશતાની સાથે જ તેણે બીભત્સ ગાળો બોલી નરેન્દ્રદાસ પર આડેધડ હુમલો કરી દીધો હતો.હુમલા દરમિયાન આરોપીએ એક લાકડીનો ઘા નરેન્દ્રદાસના વાંસાના ભાગે ઝીંકી દીધો હતો, જ્યારે બીજો ઘા મારતી વખતે નરેન્દ્રદાસે પોતાનો બચાવ કરવા હાથ આડો કરતા લાકડી જમણા હાથના કાંડા પર વાગી હતી. આ હુમલાના પગલે ક્લિનિકમાં દેકારો બોલતા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા. લોકોને એકઠા થતા જોઈ હુમલાખોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ જતાં જતાં પણ તેણે “હવે પછી આડો અવળો થયો તો છરી મારી દઈશ” તેમ કહી ફરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નરેન્દ્રદાસ વૈષ્ણવને તુરંત સારવાર અર્થે ભાવનગરની એડવાન્સ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ અને એક્સ-રે દરમિયાન તેમના જમણા હાથના કાંડાના ભાગે ફેક્ચર હોવાનું નિદાન થયું હતું, જેને પગલે ડોક્ટરોએ હાથ પર પ્લાસ્ટરનો પાટો બાંધ્યો હતો. આ મામલે પીડિત નરેન્દ્રદાસે હુમલાખોર સુરેશ કાવાભાઈ ચાવડા વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. સાધુ સમાજના અગ્રણી પર થયેલા આ હિચકારા હુમલાને પગલે સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આજે એસપી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા આગેવાનોએ આરોપીની વહેલી તકે ધરપકડ કરી તેને કડક સજા અપાવવાની માંગ કરી છે…

