રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનો મામલે ટ્રાફિક પોલીસનો કડક સંદેશ.
ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ કહ્યું ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી.
કમિશનરે ‘નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં’નો કડક નિર્ણય લીધો છે
રાજકોટમાં હવે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ-સીએનજી પણ નહીં મળે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરે ‘નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં’નો કડક નિર્ણય લીધો છે.
ગુજરાતમાં આ પ્રકારનો નિયમ લાગુ કરનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે. આ જાહેરનામું આજથી એટલે કે 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર 2026 સુધી 60 દિવસ માટે અમલમાં રહેશે. રાજકોટ CP દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને CNG પંપના સંચાલકો અને કર્મચારીઓએ હવેથી સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈપણ વાહનમાં ઇંધણ ભરવાનું બંધ કરવું પડશે. જો કોઈ વાહનની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હોય, ભૂંસી નાખવામાં આવી હોય અથવા તેની સાથે કોઈપણ પ્રકારના ચેડાં કરવામાં આવ્યા હોય તો તે વાહનને સીધું પાછું મોકલી આપવાનું રહેશે.નિયમનો ભંગ કરીને જે પંપ સંચાલક ઇંધણ આપશે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ સાથે મોટર વ્હીકલ એક્ટ હેઠળ પણ કાર્યવાહી થશે.
આ નિર્ણયને મોટાભાગના નાગરિકોએ આવકાર્યો છે. ટ્રાફિક નિયમોનું પાલન કરનારા લોકોનું કહેવું છે કે આનાથી રોડ પર શિસ્ત આવશે. જ્યારે કેટલાક વાહનચાલકોને શરૂઆતમાં તકલીફ પડી શકે છે. જેમની નંબર પ્લેટ તૂટી ગઈ છે અથવા ઝાંખી પડી ગઈ છે તેમણે તાત્કાલિક RTOમાંથી નવી પ્લેટ કઢાવી લેવી પડશે.રાજકોટ પોલીસનો આ નિર્ણય સીધો અને સ્પષ્ટ છે – નિયમ તોડશો તો ઇંધણ નહીં મળે. 60 દિવસના આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ શહેરમાં ટ્રાફિક ડિસિપ્લિન અને કાયદો-વ્યવસ્થા સુધારવાનો છે. જો આ મોડેલ સફળ રહેશે તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ નિયમ લાગુ થવાની શક્યતા છે. તેથી વાહનચાલકોને અપીલ છે કે આજે જ તમારા વાહનની નંબર પ્લેટ ચેક કરી લો. નહીંતર રસ્તામાં અટકવાનો વારો આવી શકે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

