સુરતમાં ડ્રગ્સ કેસમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો મોટો ચુકાદો
બે આરોપીઓને 15 વર્ષની સખત કેદ, બંનેને ₹1.50 લાખનો દંડ
સુરતમાં ડ્રગ્સના કેસમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હોય તેમ વર્ષ 2025માં એસઓજી દ્વારા ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને 15 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ બંને આરોપીઓને 1.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સુરત શહેર એસઓજી દ્વારા વર્ષ 2025માં અંદાજે 1.50 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી સુફિયાન ઉર્ફે શિબુ હુસૈન શેખ અને મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ બોમ્બેવાળાની ધરપકડ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા આધાર-પુરાવાઓને ધ્યાનમાં લઈ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે બંનેને 15 વર્ષની સખત કેદની સજા તેમજ 1.50 લાખનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

