સુરતના ઓલપાડમાં એસઓજીએ નશીલા પદાર્થના નેટવર્કનો કર્યો પર્દાફાશ
એસઓજીએ 55.493 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો
આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 27,74,650 આંકવામાં આવી
સુરત ગ્રામ્ય એસઓજી શાખાએ ઓલપાડ તાલુકાના કારેલી ગામે મોટો દરોડો પાડી 55.493 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 27,74,650 આંકવામાં આવી છે. પોલીસે આ મામલે 4 ઓરિસ્સાવાસીઓની ધરપકડ કરી છે.
સૌહૃત રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની સૂચનાના પગલે SOG પી.આઈ. બી.જી. ઈશરાણી અને પી.એસ.આઈ. જે.કે. રાવના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. એ.એસ.આઈ. જગદીશભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કારેલી ગામની મધુવન રેસીડેન્સીના મકાન નંબર 188 પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઓરિસ્સાના વતની 4 ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ઓરિસ્સાના ગંજામ જિલ્લાના મુખ્ય સપ્લાયરો રાજેશ ઉર્ફે રામ અને જયસીંગ ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો મોકલતા હતા. આ જથ્થો સાયણ રેલ્વે ટ્રેક પાસેના પીલર નંબર નજીક લાઈટના સિગ્નલ બતાવીને ડિલિવરી લેવામાં આવતો હતો. ત્યાંથી ટેમ્પો મારફતે આ જથ્થો કારેલી ગામના મકાનમાં લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતો હતો.
પોલીસે સ્થળ પરથી કુલ 30,34,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 55.493 કિલોગ્રામ ગાંજો, એક ટાટા ટેમ્પો – નંબર GJ-05-CU-1531, 6 મોબાઈલ ફોન, રોકડ રકમ અને કેટલાક દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે જયસેન તોફાન મહંતી, સુશાંત પ્રફુલ્લા નાયક, અજય ઉર્ફે અજયા નિત્યાનંદ નાયક અને શ્રીકાંત શીબરામ પલતા તમામ રહેવાસી ઓરિસ્સાની ધરપકડ કરી છે. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે ગંગુ, જયસીંગ અને ટ્રેનમાં માલ પહોંચાડનારા માણસો સહિત કુલ 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

