ધોરાજીમાં યુવકની હત્યા કેસમાં મૃતકના પરિવારના ગંભીર આક્ષેપ.
પોલીસની કામગીરી સામે પરિવારના આક્ષેપ
હુમલામાં ચાર લોકો સામેલ છતાં બે જ આરોપીના નામ નોંધવાના આક્ષેપ
રાજકોટ ગ્રામ્યના ધોરાજી પંથકમાં 3.70 લાખની લેતીદેતીમાં આંગડિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવાએ હિમાલય બારૈયા નામના યુવકની કુહાડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી છે. આ ઘટનાને પગલે કોળી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી છે, ત્યારે પોલીસની કામગીરી સામે પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે
રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં શનિવારની સાંજ લોહીયાળ સાબિત થઈ છે. સામાન્ય પૈસાની લેતીદેતી અને જૂની અદાવતના કારણે એક આંગડિયા પેઢીના માલિકે આવેશમાં આવીને એક કોળી સમાજના યુવકની સરેઆમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનામાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યા છે. હુમલામાં ચાર લોકો સામેલ છતાં બે જ આરોપીના નામ નોંધવાના પરિવારે ગંભીર આક્ષેપ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે ગત શનિવારે સાંજે અંદાજે 7:00 વાગ્યે પરેશભાઈનો પુત્ર વિવેક ધોરાજી-પોરબંદર નેશનલ હાઈવે પર આવેલી આઈટીઆઈ સામે વોકિંગ કરી રહ્યો હતો. આ સમયે આરોપી ભગીરથસિંહ જેઠવા અને મહીદીપસિંહ જેઠવા અન્ય બે શખસો સાથે બ્રેઝા કારમાં ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ વિવેકને આંતરી તેની પાસેથી બુલેટની ચાવી અને મોબાઈલ માંગતા વિવાદ વધુ વકર્યો હતો. આ દરમિયાન પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા ત્યાંથી પસાર થતો હતો અને તેને આ ઝઘડો જોતા તે વચ્ચે પડ્યો હતો. જોકે, ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી તીક્ષ્ણ લોખંડનો કુહાડો કાઢી હિમાલયના ગળાના ભાગે જોરદાર ઝીંકી દીધો હતો. બીજી તરફ મહીદીપસિંહે લાકડી વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો.
હુમલોકર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે વિવિધ દિશાઓમાં નાકાબંધી કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી ભગીરથસિંહ અને મહીદીપસિંહ સહિત બે શખસોની ધરપકડ કરી લીધી છે. અન્ય સંડોવાયેલા શખસોની શોધખોળ હજુ ચાલુ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

