પલસાણાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં ગંભીર દુર્ઘટના
પગ લપસતાં યુવાન લોખંડના સળિયા પર પટકાયો
સળિયા આંખ અને હાથમાં આરપાર ખૂંપી જતાં ગંભીર ઈજા
ફાયર બ્રિગેડ અને તબીબોની ટીમે ભારે જહેમત બાદ સળિયો બહાર કાઢ્યો
મગજની નસોને નુકસાન થતાં યુવાન વેન્ટિલેટર પર સારવાર હેઠળ
સુરત જિલ્લાના પલસાણાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં કાળજું કંપાવી દેતી દુર્ઘટના બની છે. મોટા ભાઈને પાણી આપવા ગયેલા યુવાનનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા કરાયેલા લોખંડના સળિયા તેની આંખ અને હાથમાં આરપાર ખૂંપી ગયા હતાં. ફાયર બ્રિગેડ અને તબીબોની ટીમે ભારે જહેમત બાદ સળિયો બહાર કાઢ્યો હતો. જોકે, મગજની નસોને નુકસાન થતાં યુવકની હાલત અત્યંત ગંભીર છે અને તે વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામમાંથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં 18 વર્ષીય કિરણ ડામોર સાથે ગંભીર દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, કિરણ પોતાના મોટા ભાઈને પાણી આપવા ગયો હતો. આ દરમિયાન પહેલા માળેથી તેનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા કરાયેલા આશરે સાડા ત્રણ ફૂટ લાંબા લોખંડના સળિયા યુવકની આંખ અને હાથમાં આરપાર ખૂંપી ગયા હતાં. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થળ પર જ ગ્રાઇન્ડર મશીનની મદદથી સળિયો કાપવામાં આવ્યો હતો અને યુવકને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી ન્યૂરોસર્જન સહિતની તબીબી ટીમે અઢી કલાકની ભારે જહેમત બાદ યુવકના શરીરમાં ખૂંપેલો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. જોકે, મગજની નસોને નુકસાન થતાં અને બ્લડ સર્ક્યુલેશન અટકી જતાં કિરણની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ યુવક વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

