ધંધૂકા સિંચાઈ યોજના અને કેનાલ પાઇપલાઇનમાં કૌભાંડ
400 કરોડથી વધુની ગેરરીતિના કોંગ્રેસના ગંભીર આક્ષેપો,
મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને ફરિયાદ
અમદાવાદ જિલ્લાના ધંધૂકા સિંચાઈ યોજના અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલની જીઆરપી પાઈપલાઈન કામગીરીમાં આશરે 400 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
ધંધુકા-વલ્લભીપુર કેનાલના 400 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલન્સ કમિશનરને લેખિતમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આક્ષેપ મુજબ, પ્રોજેક્ટમાં નક્કી કરાયેલી નિર્ધારિત ક્ષમતા કરતા ઓછી ક્ષમતા ધરાવતી અને નબળી ગુણવત્તાની પાઈપોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે. સીએજીના ઓડિટ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટમાં 248 KPA ક્ષમતાને બદલે માત્ર 124 KPA ક્ષમતાવાળી હલકી ગુણવત્તાની પાઈપો વાપરવામાં આવી છે. આ ઉપરાંત, કામગીરીમાં 47.77 કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ચૂકવણું કરવામાં આવ્યું હોવા સાથે હજુ સુધી ઉપયોગમાં ન લેવાયેલી પાઈપો પેટે પણ 50.33 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હોવાનું સામે આવ્યું છે. મનીષ દોશીએ દાવો કર્યો હતો કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના ઓડિટ રિપોર્ટમાં ધંધૂકા અને વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ હેઠળ હાથ ધરાયેલી GRP પાઇપલાઇન કામગીરીમાં ગંભીર ખામીઓ અને નાણાકીય ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના દાવા અનુસાર, આ કામગીરીમાં અંદાજે 47.77 કરોડનું ગેરકાયદે ચૂકવણું કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપયોગમાં ન લેવાયેલી પાઇપો બદલ પણ 50.33 લાખની ચુકવણી કરાઈ હોવાનું ઓડિટમાં દર્શાવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્થળ પર કામ અધૂરું હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ ગંભીર કૌભાંડમાં સંકળાયેલા જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક ફોજદારી તથા ખાતાકીય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

