સલાબતપુરા પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
9 નવેમ્બરના રોજ સફાઈ કર્મચારીની હત્યા કરાયેલી લાશ મળી હતી
19 વર્ષીય મુકેશ મધુકર સકટને ઝડપી કાર્યવાહી હાથ ધરી
સુરતની સલાબતપુરા પોલીસે હત્યા કરી ભાગી છુટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.
સુરતના રીંગરોડ ખાતે આવેલ સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટમાં 9 નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સફાઈ કર્મચારીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતક 21 વર્ષિય સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈકર્મી તરીકે કામ કરતો હતો. આ હત્યા પાછળનો મુખ્ય આરોપી 19 વર્ષીય મુકેશ મધુકર સકટ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે, આ ઘટનાનું મૂળ એક યુવતી છે. આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી, તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો. આ બાબત આરોપી મુકેશને ખટકતી હતી. તેને શંકા હતી કે, મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે, જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે. આ જ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર ઓ અને એસ ની વચ્ચે ગેટ નંબર 5 પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેણ ઘા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જેની જાણ સલાબતપુરા પોલીસને કરાતા સલાબતપુરા પોલીસે સ્થળે દોડી જઈ હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરીહત્યારો મુકેશ મધુકર સકટ ને ગણતરીના કલાકોમાં જ સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

