સુરતના ઓલપાડમાં મીઠુ પાણી નહી મળતો હોવાની હૈયાવરાળ
ગ્રીન લક્ઝરીયા, હંસ પેરેડાઈઝ જેવી 27 સોસાયટીઓમાં મીઠુ પાણી નહી
બિલ્ડરોને મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી ?
સુરતના ઓલપાડ રોડ પર માસમા નજીક આવેલ ગ્રીન લક્ઝરીયા, હંસ પેરેડાઈઝ જેવી 27 સોસાયટીઓમાં મીઠુ પાણી નહી મળતો હોવાની હૈયાવરાળ કાઢવામાં આવી હતી.
સુરત શહેર જ્યાં વિકાસની નવી ઈમારતો અને રિયલ એસ્ટેટના ક્રેનો આકાશને સ્પર્શી રહ્યા છે, ત્યાં જ ઓલપાડ રોડ પર માસમાં નજીક આવેલી ગ્રીન લક્ઝરીયા, હંસ પેરેડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે. છેલ્લા છ વર્ષથી આ સોસાયટીઓના લોકો પીવાના અને રોજિંદા ઉપયોગના મીઠા પાણી માટે તરસી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને તેમના નળમાં જે પાણી મળે છે તે માત્ર પીવા લાયક નથી, પરંતુ તેનો ઉપયોગ નાહવા-ધોવા માટે પણ અસુરક્ષિત છે. સતત ખારા પાણીના ઉપયોગથી ચામડીના રોગો, એલર્જી, વાળ ખરવા અને બાળકોમાં ત્વચાના ચેપના કિસ્સા વધી રહ્યા છે. એક રહેવાસીએ તો કહ્યું હતુ કે અમારે દરરોજ પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે. સ્નાન કર્યા બાદ ત્વચામાં બળતરા થાય છે. નાના બાળકોના શરીર પર ખરચી થઈ જાય છે.
આ સમસ્યાના મૂળમાં એક ગંભીર પ્રશ્ન છે. જ્યાં જમીનનું પાણી ખારું છે, જ્યાં સોઇલ લેબ રિપોર્ટે જમીનની ગુણવત્તાને યોગ્ય ઠેરવી ન હતી, ત્યાં બિલ્ડરોને મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી? રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્ર અને સરકારે લેબ રિપોર્ટ તપાસ્યા વિના કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી હતી. અને બિલ્ડરે અમારી સાથે છેતરપિંડી કરી, પણ અધિકારીઓએ તેની સાથે મળીને જમીનની વાસ્તવિક સ્થિતિ છુપાવી છે એમ સોસાયટીના એક વરિષ્ઠ રહેવાસીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રશાસન માટે આ એક કસોટી છે જેમાં શું તેઓ માત્ર ચૂંટણી પૂરતું ભૂલકણું આશ્વાસન આપશે, કે પછી ગ્રીન લક્ઝરીયા અને હંસ પેરેડાઇઝ જેવી 27 સોસાયટીઓના હજારો લોકોને મૂળભૂત જીવનાધાર સુવિધા જેમાં મીઠું પાણી પૂરું પાડી શકશે? સમય જ ઉત્તર આપશે. પરંતુ ત્યાં સુધી આ લોકો તરસ્યા રહેશે, એક એવા શહેરમાં જેને સ્માર્ટ સિટીનો ગૌરવ પ્રાપ્ત છે.

