સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરતા મુસાફરો માટે દુખની વાત
મુસાફરો ન મળવાના કારણસર વિવિધ એરલાઇન્સમાં મોટો ઘટાડો
સુરત એરપોર્ટ પરથી માત્ર 12 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જ કાર્યરત
સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરતા મુસાફરો માટે દુખની વાત સામે આવી છે કારણ કે પૂરતા મુસાફરો ન મળવાના કારણસર વિવિધ એરલાઇન્સ કંપનીઓએ સુરત એરપોર્ટ પરથી સંચાલિત થતી ફ્લાઇટ્સની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે.
સુરત એરપોર્ટની કનેક્ટિવિટી સતત ઘટી રહી છે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા પૂરતા મુસાફરો ન મળતા હોવાનો હવાલો આપી ફ્લાઇટ્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ થયા બાદ હવે જુલાઈ મહિનાથી સુરત એરપોર્ટ પરથી માત્ર 12 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ જ કાર્યરત રહેશે. જેના કારણે દેશના વિવિધ શહેરો સાથેની હવાઈ કનેક્ટિવિટી પર સીધી અસર પડશે. સુરત દેશનું મહત્વપૂર્ણ ટેક્સટાઇલ અને ડાયમંડ હબ ગણાય છે. રોજબરોજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, વેપારીઓ અને પ્રોફેશનલ્સને હવાઈ મુસાફરીની જરૂરિયાત રહેતી હોય છે. ફ્લાઇટ્સમાં સતત ઘટાડાને કારણે હવે મુસાફરોને અમદાવાદ, મુંબઈ સહિતના અન્ય એરપોર્ટ પર નિર્ભર રહેવાની ફરજ પડી રહી છે. સ્થાનિક વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે એરલાઇન્સ કંપનીઓ નુકસાનનું કારણ આગળ ધરી સુરતની કનેક્ટિવિટી ધીમે ધીમે ઓછી કરી રહી છે. જેના કારણે વેપાર, રોકાણ અને પ્રવાસન ક્ષેત્રને પણ અસર પહોંચી શકે છે.

