સુમુલ ડેરીની ચૂંટણીનો ધમધમાટ
સુરત-તાપીની ૧૬ બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, કાર્યકરોનો ભારે ધસારો
સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ)ની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ પ્રેરિત પેનલના મજબૂત ઉમેદવારો નક્કી કરવા માટે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સત્તાવાર રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સુમુલ ડેરીના શાસન ધુરા સંભાળવા માટે આ વખતે ભાજપ સંગઠન દ્વારા ખૂબ જ ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાની ૯ બેઠકો અને તાપી જિલ્લાની ૭ બેઠકો મળીને કુલ ૧૬ બેઠકો માટે દાવેદારો અને કાર્યકરોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મોવડીમંડળ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ગીતાબેન રાઠવા અને દુષ્યંત પંડ્યાએ સુરત ખાતે આવીને બંને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરોને વન-ટુ-વન સાંભળ્યા હતા. સુમુલ ડેરીના વર્ચસ્વની લડાઈ હોવાથી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ સુરત અને તાપી જિલ્લાના સહકારી આગેવાનો, વર્તમાન ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેને પગલે કાર્યાલય પરિસરમાં ભારે ગીર્દી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવાએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી એ આ પંથકના પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો સમક્ષ કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહભેર પોતપોતાના વિસ્તારોની રજૂઆતો કરી છે. પક્ષના મોવડીમંડળ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને જે પણ સક્ષમ અને લોકપ્રિય ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે, તેને જીતાડવા માટે આખી પેનલ અને બંને જિલ્લાનું સંગઠન એક થઈને કામે લાગશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં જ ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે.

