સુરતના પાંડેસરામાં લુમ્સના કારખાનામાં હંગામો
કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામો કરાયો
કાપડમાં ભાવ વધારાની માંગને લઈ કારીગરોએ કર્યો હંગામો
સુરતના પાંડેસરા વિસ્તારમાં લુમ્સના કારખાનામાં કેટલાક કારીગરો દ્વારા હંગામો કરાયો હતો. કાપડમાં ભાવ વધારાની માંગને લઈ કારીગરોએ હંગામો કર્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં કાપડ ઉદ્યોગમાં મજૂરીના ભાવવધારાની માંગણીને લઈને લૂમ્સ કારીગરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કારીગરોએ પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવાની માગ સાથે 5થી 7 જેટલા લૂમ્સ કારખાનાઓને બાનમાં લીધા હતા અને કારખાનાઓમાં જઈને ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરીને હંગામો મચાવ્યો હતો. આ વિરોધમાં લગભગ 50થી વધુ કારીગરો જોડાયા હતા. કાપડના ભાવવધારાની માંગણી સાથે મચાવેલો સમગ્ર હોબાળો કારખાનાઓમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે હંગામો મચાવનાર કારીગરોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ, વીવર્સ એસોસિયેશનની રજૂઆત બાદ પોલીસે વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે, જેથી અન્ય કારખાનાઓ રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ શકે અને કામગીરી સામાન્ય બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

