બારડોલી પ્રાંત કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા
પડતર માંગણીઓને લઈને કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
એક દિવસની માસ સીએલ પર ઉતરી કર્મચારીઓએ નોંધાવ્યો વિરોધ
બારડોલી પ્રાંત કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓ એક દિવસના માસ સીએલ પર ઉતર્યા, પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું
બારડોલી: ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર સુરત જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનાત્મક કાર્યક્રમના ભાગરૂપે આજે બારડોલી પ્રાંત કચેરી ખાતે મહેસૂલી કર્મચારીઓએ એક દિવસના માસ સીએલ (Mass C.L.) પર રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહેસૂલી કર્મચારીઓના બઢતી-બદલી, સિનિયોરિટી યાદી, અને મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા જેવા વિવિધ પડતર સેવા વિષયક પ્રશ્નો અંગે મહામંડળ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી. સરકાર અને મહેસૂલ વિભાગ દ્વારા વારંવાર આશ્વાસન આપવામાં આવ્યા હોવા છતાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. આ પડતર માંગણીઓના ઉકેલ માટે અગાઉ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થઈને વિરોધ દર્શાવાયો હતો. જેના આગળના તબક્કારૂપે આજે તમામ કર્મચારીઓ માસ સીએલ પર રહ્યા છે. જો તંત્ર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી બુધવાર, ૭ ઓક્ટોબર ૨૦૨૬થી તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે….

