ભીમનગર-સરસ્વતી આવાસના રહીશોનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
પડતર પ્રશ્નોના ઉકેલ માટે રહીશોએ ન્યાયની માંગ કરી
સુરતમાં ભીમનગર અને સરસ્વતી આવાસ યોજનાના રહીશો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરાયુ હતું. સામાજિક કાર્યકર્તા મનોજ ચાંદલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ન્યાયની માંગ કરી હતી.
સુરતમાં સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસના રહીશો છેલ્લા ૧૦ વર્ષથી પોતાના હકની માંગણી માટે તંત્ર સામે લડત આપી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા આ આવાસો માત્ર છ મહિનામાં જ જર્જરીત થઈ ગયા હોવાનો રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે. રહીશોનું કહેવું છે કે તંત્ર દ્વારા તેમને આવાસ આપીને ખંડેર હાલતમાં છોડી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે પોતાની રીતે દરવાજા-બારીઓ સરખા કરાવીને રહેવું પડ્યું હતું. છેલ્લા એક દાયકાથી મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કલેક્ટર સહિતના તમામ સત્તાધીશોને અસંખ્ય આવેદનપત્રો આપવામાં આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો અને બહાના જ આપવામાં આવી રહ્યા છે. રહીશોએ માંગ કરી છે કે આ જર્જરીત આવાસોનું સત્વરે રી-ડેવલપમેન્ટ કરવામાં આવે અને જ્યાં સુધી નવું બાંધકામ ન થાય ત્યાં સુધી તમામ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વૈકલ્પિક આવાસ અથવા ભાડાની વ્યવસ્થા કરી આપવામાં આવે.

