માંડવી તાલુકાના ખોડાંબા ગામે દિપડાઓ માટે રેસ્કયુ સેન્ટર
સેન્ટરનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
માંડવી તાલુકાના ખોડાંબા ગામે ૨ કરોડના ખર્ચે નિર્મિત થયેલા દિપડાઓ માટેના રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા
સુરતના માંડવી તાલુકાના ખોડાંબા ગામે ૨ કરોડના ખર્ચે દિપડાઓ માટે નિર્મિત થયેલા રેસ્કયુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય સેન્ટરનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું. માનવના સંધર્ષમાં આવેલા કે કોઈ ઈજાગ્રસ્ત થયેલા, માનવભક્ષી દિપડાઓ માટે વન વિભાગ દ્વારા રેસ્કયુ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હેકટર વિસ્તારમાં બનેલા આ સેન્ટરમાં ૨૦ દિપડાઓના રાખવાની કેપેસિટી સાથે ડોકટર રૂમ, પોસ્ટ મોર્ટમ રૂમ, સ્ટોર રૂમ, ફુડ તથા સ્મશાન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દિપડાઓની સંખ્યા વધી છે ત્યારે માનવ સાથે સંઘર્ષમાં આવેલા દિપડા રાખવા માટે રેસ્કયું સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહી દિપડાઓને અલગ રાખીને સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
આ અવસરે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ, અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક સંજયકુમાર શ્રીવાસ્તવ, સુરત વર્તુળના વનસંરક્ષક પુનિત નૈયર, સુરતના નાયબ વનસંરક્ષક ધીરજકુમાર, માંડવી દક્ષિણના રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી એચ. જે. વાંદા, રવિન્દ્ર સિંહ વાઘેલા, મદદનીશ વન સંરક્ષક એચ. આર.જાદવ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

