વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ.
ભારે વરસાદની આગાહીથી વહીવટી તંત્ર થયું એલર્ટ.
કલેક્ટર નીતિન સાગવાને તમામ વિભાગો કર્યા સતર્ક.
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે મોડી રાતથી જ મેઘરાજાએ ધમાકેદાર વરસાદ વરસાવવાની શરૂઆત કરી હતી. વહેલી સવાર સુધી સતત ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ખાસ કરીને વલસાડ શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે અનેક માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી.
વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના આંકડા મુજબ સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં સમગ્ર જિલ્લામાં કુલ ૩૮૬ મિલીમીટર એટલે કે અંદાજે ૧૫.૨૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ટૂંકા સમયમાં આટલો ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને અનેક સ્થળોએ વાહનવ્યવહારને અસર પહોંચી છે. વલસાડ શહેરના છીપવાડ ઘરનાળા સહિત એમ.જી. રોડ, તિથલ રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે. ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ ઘરો અને દુકાનોની બહાર પાણી ભરાઈ જતાં દૈનિક જીવન પર સીધી અસર જોવા મળી રહી છે.
વરસાદી પાણીનો સ્તર સતત વધતા વલસાડ શહેરના કેટલાક રેલવે અન્ડરપાસોમાં પાણી ભરાઈ જતાં સલામતીના કારણોસર તેમને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે. અન્ડરપાસ બંધ થતાં વાહનચાલકોને લાંબા અંતરનો ચક્કર મારીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવું પડી રહ્યું છે. અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો પર વરસાદી પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. કેટલાક સ્થળોએ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બે-ચક્રી વાહનચાલકો માટે પસાર થવું જોખમી બની ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર અંશતઃ ખોરવાયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

