રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનું ઘર બની.
કુલપતિ સમક્ષ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીનું ચોંકાવનારું નિવેદન.
પીએચ.ડી.કરવા માટે ગાઈડ સાથે સંબંધ બાંધવો પડે છે
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ગંભીર વિવાદમાં ફસાઈ છે, જ્યારે એક વિદ્યાર્થિનીએ પીએચડીગાઈડ દ્વારા શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
રાજકોટ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી PhD પ્રવેશ પરીક્ષા નહી લેવાતા રજૂઆત કરવા આવ્યા હતા, તે દરમિયાન વિદ્યાર્થિનીએ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થિનીનું નિવેદન હતું કે, PhD કરવી હોય તો ગાઈડ નીચે સૂવું પડે છે,” જેનાથી યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાવ્યો છે, અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર પણ આઘાત પહોંચ્યો છે. કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, NSUI દ્વારા ગઈ કાલે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ પ્રાપ્ત થઈ નથી. તેમણે શારીરિક શોષણના આરોપોને ગંભીર ગણાવ્યા અને જણાવ્યું કે યુનિવર્સિટીમાં જાતીય સતામણી વિરુદ્ધની સમિતિ કાર્યરત છે, પરંતુ અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ તેમના સુધી પહોંચી નથી. ડૉ. જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે જો લેખિત ફરિયાદ પ્રાપ્ત થશે, તો યુનિવર્સિટીની મહિલા વિંગ દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભૂતકાળમાં આવી ફરિયાદો પર મહિલા વિંગ દ્વારા યોગ્ય પગલાં લેવાયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો. આક્ષેપ કરનારી વિદ્યાર્થિનીએ મીડિયા વાતચીતમાં ગોળગોળ જવાબો આપ્યા, જેમાં તેણે જણાવ્યું કે તેણે કુલપતિને મળીને રજૂઆત કરી છે, પરંતુ આ ઘટના “બહુ જૂની” હોવાનું કહ્યું. જોકે, આ ઘટના કેટલી જૂની છે તે અંગે તેણે સ્પષ્ટ માહિતી આપી ન હતી, જેનાથી આરોપોની સત્યતા અંગે સવાલો ઉભા થયા છે. વિદ્યાર્થિની હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, જે આ મુદ્દાને વધુ જટિલ બનાવે છે. આ આરોપોની ગંભીરતાને જોતા, તેની સત્યતા અને યુનિવર્સિટીની પ્રતિક્રિયા આગામી દિવસોમાં ચર્ચાનો વિષય બની રહેશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

