સુરત ગ્રામ્યમાં વરસતો વરસાદ મતદારો માટે આફતરૂપ બન્યો
વરસાદને કારણે મતદારોને મતદાન મથક ખાતે પહોંચવામાં હાલાકી
મતદારોએ ચોમાસામાં મતદાન માટેનો સમય અયોગ્ય ગણાવ્યો
આજે 22 જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ 8326 ગ્રામપંચાયત માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચની 53, નર્મદાની 107, ડાંગની 42, નવસારીની 56, સુરતની 62, તાપીની 47 અને વલસાડની 51 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 25 જૂને મતગણતરી યોજાશે.
આજે 22 જૂનના રોજ ગુજરાત રાજ્યની કુલ 8326 ગ્રામપંચાયતની ચૂંટણી છે ત્યારે સુરત જિલ્લામાં આજે 62 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ રહી છે. મંત્રી મુકેશ પટેલના ગામ ઓલપાડના નઘોઈમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. આ ગામમાં કુલ 857 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. સરપંચ પદના ઉમેદવાર ગીતાબેન પટેલ અને ચંદ્રિકાબેન પટેલ છે. થોડા મહિના અગાઉ અવિશ્વાસની દરખાસ્ત આવતા સરપંચ પદ પરથી ગીતાબેન પટેલને હટાવવામાં આવ્યા હતા. ભારે વરસાદ વચ્ચે યોજાયેલ ચૂંટણીને લઇ સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ગામથી મહેન્દ્રસિંહ અટોદરિયાએ રોષ ઠાલવતા પોતાની પ્રતિક્રિયા આપી છે
કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ પેટ્રોલિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે. નવસારી જિલ્લામાં આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને 14 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ડાંગ જિલ્લામા આજે યોજાઇ રહેલા કુલ 42 ગ્રામ પંચાયતોમાં 37 સરપંચ અને 234 વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી