મહેસાણા સતલાસણાના ભાણાવાસમાં પશુપાલકોનો વિરોધ
દૂધ મંડળી બહાર દૂધ ઢોળીને વ્યક્ત કર્યો આક્રોશ
મંડળીના પ્રમુખ અને મંત્રીએ 4 દિવસથી 400 લીટર દૂધ સ્વીકારવાનું કર્યું બંધ
ચૂંટણીની માંગ કરતા દૂધ ન સ્વીકારાતું હોવાનો પશુપાલકોનો આક્ષેપ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામે સ્થાનિક દૂધ ડેરીના વહીવટદારો અને પ્રમુખની કથિત દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામે સહકારી નિયમોને નેવે મૂકીને ડેરી તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી પશુપાલકોનું રોજનું અંદાજે 300થી 400 લીટર દૂધ સ્વીકારવાનો જ સાફ ઇનકાર કરી દેવાયો છે. આ અમાનવીય વલણ અને આર્થિક નુકસાનથી કંટાળેલા પશુપાલકોની ધીરજ ખૂટી હતી. રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે રસ્તા પર જાણે દૂધની નદીઓ વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ગામના પશુપાલકોએ ડેરીના શાસકો સામે મોટો પર્દાફાશ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી આ ડેરીના સભાસદો કે પ્રમુખ બદલાયા જ નથી. સહકારી કાયદા અને સરકારી નિયમો મુજબ દર 5 વર્ષે લોકતાંત્રિક ઢબે ચૂંટણી અથવા વહીવટી ફેરબદલ થવા જોઈએ, જે આ ડેરીમાં ક્યારેય કરવામાં આવ્યા નથી. વર્ષોથી પરસેવો પાડીને દૂધ ઉત્પાદન કરતા ગરીબ પશુપાલકોના હિતો જોખમાતા હવે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ભોગ બનનાર પશુપાલકોએ આ સરમુખત્યારશાહી વહીવટ સામે સહકારી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવીને ડેરીની કમિટી બરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે
ભાણાવાસ ગામમાં પશુપાલકો અને સ્થાનિક સરકારી દૂધ ડેરી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પશુપાલકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ડેરીના પ્રમુખ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જ્યારે પશુપાલકો આ બાબતે ન્યાયિક રજૂઆત કરવા માટે ડેરીની સામાન્ય સભામાં ગયા, ત્યારે પ્રમુખ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પશુપાલકોના માણસોને જાહેરમાં અપમાનિત કરીને ડેરીમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને ત્યારથી ગામનું દૂધ લેવાનું બંધ કરી દીધું છે. હાલ પશુપાલકો પોતાનું નુકસાન બચાવવા માટે ખાનગી વાહનોની વ્યવસ્થા કરી અન્ય જગ્યાએ દૂધ મોકલવા મજબૂર બન્યા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

