સુરતમાં સીજેપીના સમર્થનમાં યોજાનારી પ્રસ્તાવિત રેલી
સોશિયલ મીડિયા પર કરાયેલી અપીલ બાદ અટકાયત
પોલીસે કાર્યવાહી કરીને 10 થી 12 લોકોને ડિટેન કર્યા
સુરતમાં સીજેપીના સમર્થનમાં યોજાનારી પ્રસ્તાવિત રેલી પહેલાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હોય તેમ સોશિયલ મીડિયા પર કરાયેલી અપીલ બાદ લૂથરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં પોલીસે કાર્યવાહી કરીને 10 થી 12 લોકોને ડિટેન કર્યા હતાં.
સુરતના સોશિયલ મીડિયા પર આર્યન અને તેના સાથીઓએ સીજેપીના સમર્થનમાં લૂથરા સર્કલ ખાતે એકત્ર થવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં યુવકો અને વિદ્યાર્થીઓ ભેગા થવાની માહિતી મળતા સુરત પોલીસે અગાઉથી જ લૂથરા સર્કલ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. રેલી માટે આર્યન નામના વ્યક્તિએ વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે મંજૂરી આપી ન હતી. તેમ છતાં અનેક લોકો લૂથરા સર્કલ પર પહોંચી ગયા હતા. લૂથરા સર્કલથી અણુવ્રત દ્વાર થઈ કારગિલ ચોક સુધી રેલી યોજાવાની હતી. લોકો ભેગા થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અંદાજે 10થી 12 લોકોને ડિટેન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ પણ વધુ લોકો ભેગા ન થાય તે માટે લૂથરા સર્કલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત યથાવત રાખ્યો છે.

