નવસારીમાં ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત કાર્યક્રમ
‘સેવા જ્યોતિ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન
પીએમ મોદીના જનસેવા, સુશાસન અને રાષ્ટ્રસમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમ
નવસારીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને રાષ્ટ્રસમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા જ્યોતિ યાત્રા’ અને વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી.
નવસારીમાં સેવા જ્યોતિ યાત્રા પૂર્વે લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સંકલ્પ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધનમાં જોડાયા હતા. સંબોધન દરમિયાન તેમણે “We will do it – આપણે કરીને બતાવીશું” નો સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ભારત વિકસિત નહીં થાય ત્યાં સુધી હું થાકીશ નહીં અને રોકાઈશ નહીં.” આ પ્રસંગે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’નો સામૂહિક સંકલ્પ પણ લેવાયો હતો. ત્યારબાદ નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘સેવા જ્યોત’ પ્રજ્વલિત કરી લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સેવા જ્યોતયાત્રા લુન્સીકુઈથી જુનાથાણા સુધી યોજાયેલી આ યાત્રામાં કલેક્ટર મનીષ ગુરવાણી, કમિશનર જયેશ ઉપાધ્યાય, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ સહિત ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

