સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનને લઈને પ્રેસવાર્તા
7 મેના રોજ યોજાનારી વિશાળ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાનો મુખ્યહેતુ
સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનને લઈને પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 મેના રોજ યોજાનારી વિશાળ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી.
સમગ્ર ભારતભરમાં ચાલી રહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સુરતમાં ગૌભક્તો દ્વારા પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ સ્થિત અગ્રવાલ સમાજ ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે, આગામી 7 મેના રોજ સંતોની સાનિધ્યમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે, જેમાં આશરે 5 લાખ હસ્તાક્ષરો સામેલ રહેશે. અભિયાનનો મુખ્ય હેતુ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાનો તેમજ ભારતભૂમિને ગૌવધના કલંકથી મુક્ત કરાવવાનો છે. ગૌભક્તોએ વધુમાં વધુ લોકો આ અભિયાન સાથે જોડાઈ સમર્થન આપે તેવી અપીલ કરી છે.

