ભાજપ પ્રમુખ સૂરજભાઈ વસાવાની પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસના આક્ષેપો ફગાવી પલટવાર કર્યો
ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ સૂરજભાઈ વસાવા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પક્ષ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે ચકાસાયેલી હકીકતો તથા માહિતી માધ્યમો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપ પ્રમુખ સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પાસે હવે જનતા વચ્ચે જવા માટે કોઈ સકારાત્મક મુદ્દો રહ્યો નથી. આથી સતત પરાજયથી હતાશ થયેલી કોંગ્રેસ પાયાવિહોણા અને ભ્રામક આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે.” તેમણે મુદ્દાસર વિગતો આપતાં ઉમેર્યું કે ભાજપ સરકાર હંમેશાં પારદર્શક વહીવટ અને સંગીન લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકે છે, જ્યારે વિપક્ષ માત્ર રાજકીય રોટલા શેકવા માટે અફવાઓ ફેલાવે છે. વધુમાં, તેમણે કોંગ્રેસના તમામ દાવાઓને સત્યથી વેગળા ગણાવતા કાયદાકીય અને વહીવટી તથ્યો રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે વિપક્ષના નકારાત્મક પ્રચારનો જનતા યોગ્ય સમયે જવાબ આપશે.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

