ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રા માટે અમદાવાદમાં તૈયારીઓ
અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું
રૂટ પર એક વિશાળ અને મેગા સુરક્ષા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદની ઐતિહાસિક અને આસ્થાના પ્રતીક સમાન 149 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીકના દિવસોમાં યોજાવા જઈ રહી છે, ત્યારે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર એક વિશાળ અને મેગા સુરક્ષા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદની ઐતિહાસિક અને આસ્થાના પ્રતીક સમાન 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના મેગા રિહર્સલમાં અમદાવાદ પોલીસ કમિશનર, જેસીપી , ડીસીપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉપસ્થિત રહ્યા હતા. જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ કરીને સમગ્ર 14 કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ મિશનમાં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ, એસઆરપી , અને રેપિડ એક્શન ફોર્સ સહિતના વિવિધ સુરક્ષા દળોના જવાનો જોડાયા હતા અને વાસ્તવિક પરિસ્થિતિ મુજબ મોક ડ્રીલ કરી હતી.
રિહર્સલ દરમિયાન ખાસ કરીને રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભીડ નિયંત્રણ , રૂટ મેનેજમેન્ટ અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ઈમરજન્સી રિસ્પોન્સની તૈયારીઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન જળવાય તેનું પરીક્ષણ પણ કરાયું હતું. પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ અધિકારીઓને અંતિમ સૂચનાઓ આપી દીધી છે અને પોલીસ તંત્ર લાખો ભક્તોની સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

