સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગર્ભવતી મહિલાનું મોત
પાંચ મહિનાની ગર્ભવતી મહિલાના આકસ્મિક નિધનથી પરિવારમાં શોક
લગ્નના દોઢ વર્ષ બાદ પરિવારમાં બાળકના આગમનની આશા હતી
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ મહિનાની ગર્ભવતી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લગ્નના દોઢ વર્ષ બાદ પરિવારમાં બાળકના આગમનની આશા હતી, પરંતુ મહિલાના આકસ્મિક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
સુરતમાં કામરેજના ગોપીન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતી અને મૂળ આસામની વતની સુમન દાસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. પરિવારના જણાવ્યા મુજબ મહિલાને છેલ્લા ચારથી પાંચ દિવસથી તાવ આવતો હતો અને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબિયત વધુ લથડતાં પરિવારજનો મહિલાને રાત્રે આશરે 11:30થી 12 વાગ્યાની વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાત્રે આશરે 12 વાગ્યે મહિલાનું મોત નીપજ્યું હતું. લગ્નના દોઢ વર્ષ બાદ પરિવારમાં બાળકના આગમનની ખુશીની આશા હતી, પરંતુ આ દુઃખદ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

