Site icon hindtv.in

ભાવનગર રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

ભાવનગર રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
Spread the love

ભાવનગર રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
સંવેદનશીલ 2 કિ.મી. રૂટ પર 200થી વધુ પોલીસ જવાનો તૈનાત
5 ટીમો અને 20 અધિકારીઓએ મોડી રાત્રે સઘન ચેકિંગ હાથ ધર્યું
કોમ્બિંગ દરમિયાન છરી સહિતના હથિયારો ઝડપાયા

ભગવાન જગન્નાથજીની નગરચર્યા પૂર્વે પોલીસ એક્શન મોડમાં 2 કિ.મી.ના સંવેદનશીલ રૂટ પર 200થી વધુ જવાનોનું મેગા કોમ્બિંગ હથિયારો ઝડપાયા આગામી 16 જુલાઈના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ, કોમી સૌહાર્દ અને અત્યંત સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. રથયાત્રાના અંદાજે બે કિલોમીટર જેટલા સંવેદનશીલ વિસ્તારમાં મોડી રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે તૂટી પડ્યા હતા અને મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન વિસ્તારના અસામાજિક તત્વો અને બુટલેગરોના ઘરોમાં સઘન તલાશી લેવામાં આવતા સ્થાનિક ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5 ટીમો, 20 અધિકારી અને 200થી વધુ જવાનો મેદાનમાં ભાવનગર સીટી ડીવાયએસપી (DySP) આર.આર. સિંધાલે આ સુરક્ષા ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાવનગરમાં 41મી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે. રથયાત્રાનો કુલ રૂટ 17.5 કિલોમીટરનો છે, જેમાંથી અંદાજે 2 કિલોમીટરનો રૂટ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. આ સંવેદનશીલ રૂટ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે રેન્જ આઈજીપી (IGP) ના સીધા મોનિટરિંગ અને ભાવનગર એસપી (SP) નિતેશ પાંડેના સુપરવિઝન હેઠળ આ મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કામગીરી માટે પોલીસની કુલ 5 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં 20 જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને 200થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા. સઘન ચેકિંગ દરમિયાન હથિયારો મળ્યા પોલીસના આ ઓપરેશન દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા અસામાજિક તત્વો, હિસ્ટ્રીશીટરો અને બુટલેગરોના રહેણાંક મકાનોમાં ઓચિંતી રેડ પાડીને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી દરમિયાન કેટલાક શંકાસ્પદ ઇસમો પાસેથી છરી જેવા ઘાતક હથિયારો મળી આવ્યા છે, જે તમામ સામે પોલીસે કાયદેસરના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધાબા પોઇન્ટનું નિરીક્ષણ અને ફૂટ પેટ્રોલિંગ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે માત્ર જમીન પર જ નહીં, પરંતુ રૂટ પર આવેલી બહુમાળી ઇમારતોના ધાબા (ટેરેસ) પર જઈને પણ ‘ધાબા પોઇન્ટ’નું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ ટ્રાફિક પોલીસની 30 માણસોની એક ખાસ ટીમ સાથે રાખીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ અધિકારીઓએ જાતે ‘ફૂટ પેટ્રોલિંગ’ કરીને સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો.
આગામી દિવસોમાં યોજાશે મોહલ્લા મીટિંગો અને વિશેષ ચેકપોસ્ટ DySP સિંધાલે વધુમાં ઉમેર્યું હતું કે, રથયાત્રાના શાંતિપૂર્ણ આયોજન માટે આગામી સમયમાં એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ શહેરના જુદા-જુદા એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ ચેકપોસ્ટ ઊભી કરી વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવશે. શાંતિ સમિતિની બેઠકો, મોહલ્લા મીટિંગો અને સ્થાનિક અગ્રણીઓ સાથે સંવાદ સાધવાની કામગીરી હાલ ચાલુ છે. રથયાત્રાના સુચારુ સંચાલન માટે એસપી નિતેશ પાંડેની અધ્યક્ષતામાં ‘રથયાત્રા કમિટી’ સાથે પણ એક મહત્વની સમીક્ષા બેઠક યોજવામાં આવનાર છે

Exit mobile version