નવસારી જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં
લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી
કુખ્યાત ‘ચડ્ડી બનીયાનધારી ગેંગ’ ના ૩ રીઢા ઝડપાયા
નવસારી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને એક મોટી સફળતા મળી છે, જેમાં લાંબા સમયથી તરખાટ મચાવતી કુખ્યાત ‘ચડ્ડી બનીયાનધારી ગેંગ’ ના ૩ રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગે નવસારી અને જલાલપોર વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કર્યા હતા.
જલાલપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિસર્ગ વિલા બંગ્લોઝમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો વણશોધાયેલો ગુનો પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે એરૂ અવધ ક્વીન્સબરી સામે નહેર પરથી ૩ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ઇશ્વર જોરસિંગ મંડોડ, રમશુ ઉર્ફે રમતુ ભુરીયા અને નરેશ ઉર્ફે નરીયો આમલીયારનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના વતની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે. આરોપી ઇશ્વર મંડોડ વિરુદ્ધ સોલા, બોપલ, ધોળકા અને દાહોદમાં લૂંટ તથા ચોરીના ૧૩ જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે રમશુ ભુરિયા પણ ૮ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.
આ ગેંગની ગુનો કરવાની પદ્ધતિ (Modus Operandi) પણ ચોંકાવનારી છે. આરોપીઓ દિવસ દરમિયાન ફેક્ટરી કે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને આસપાસના પોશ વિસ્તારોના બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે પોતાની ઓળખ છુપાવવા માટે શરીર પરથી શર્ટ કાઢી નાખી, માત્ર ચડ્ડી-બનીયાનમાં મોઢે રૂમાલ બાંધીને ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના રોકડા રૂપિયા ૧૦,૩૦૦/-, તાંબાની ગણેશજીની મૂર્તિ, કિંમતી કાંડા ઘડિયાળ, અલગ-અલગ સિક્કાઓ અને ૩ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૧,૦૦૭/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ગેંગે જલાલપોરના બંધ મકાનો ઉપરાંત અવધ ક્વીન્સબરી અને શ્રીજી સોસાયટીમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલમાં નવસારી એલ.સી.બી. એ ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે જલાલપોર પોલીસને સોંપ્યા છે. આ સફળ ઓપરેશનથી નવસારીમાં ચોરીના અનેક ગુનાઓ ઉકેલાવાની શક્યતા છે

