Site icon hindtv.in

સુરતમાં શ્રમિક આંદોલન પહેલાં પોલીસ એક્શનમાં,

સુરતમાં શ્રમિક આંદોલન પહેલાં પોલીસ એક્શનમાં,
Spread the love

સુરતમાં શ્રમિક આંદોલન પહેલાં પોલીસ એક્શનમાં,
કલેક્ટર કચેરી બહાર કામદારોની અટકાયત
રવિવારની રજા, 8 કલાકની ડ્યૂટી અને પગાર વધારાની માંગ,
સુરતમાં શ્રમિકોની અટકાયતથી ભાગદોડ,
અનેક કામદારોને પોલીસ બસમાં બેસાડાયા

સુરતમાંથી આ સમયે શ્રમિક આંદોલનની જાહેરાત કરી હતી. એમ્બ્રોડરી એકમોમાં કામ કરતા શ્રમિકોની રવિવારની સાપ્તાહિક રજા, આઠ કલાકની ડ્યૂટી અને પગાર વધારાની માંગ સાથે યોજાનારા મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં આવી હોય તેમ સુરતની કલેક્ટર કચેરી બહાર વિરોધ કરવા પહોંચેલા શ્રમિકોને પોલીસે ડિટેઈન કરવાનું શરૂ કરતાં ભારે દોડધામ જોવા મળી હતી. કેટલાક શ્રમિકો પોલીસની કાર્યવાહીથી બચવા માટે ભાગતા જોવા મળ્યા, જ્યારે અનેક કામદારોને પકડીને પોલીસ બસમાં બેસાડ્યા હતાં.

સુરતમાં એમ્બ્રોડરી ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોના પડતર પ્રશ્નોને લઈને આજે, 15 ઓક્ટોબરના રોજ મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પાંડેસરા પોલીસે રાષ્ટ્રીય મજદૂર સેનાના પ્રમુખ સુરેશ સોનવણે, સુરત સંઘર્ષ લેબર યુનિયનના પ્રમુખ રમાકાંત પાંડે અને સાર્વજનિક મજદૂર એકતા યુનિયનના પ્રમુખ મલખાનસિંહ વર્મા સહિત અનેક કામદાર આગેવાનોની અટકાયત કરી હતી. શ્રમિકો કલેક્ટર કચેરીએ પહોંચે તે પહેલાં જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં કામદારો કલેક્ટર કચેરી બહાર એકત્ર થયા હતા અને પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. કલેક્ટર કચેરી બહાર વિરોધ કરી રહેલા શ્રમિકોને પોલીસે ડિટેઈન કરવાનું શરૂ કરતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ કર્મચારીઓ કેટલાક શ્રમિકોને પકડીને અને ખેંચીને વાહનોમાં બેસાડતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક કામદારો અટકાયતથી બચવા માટે દોડતા જોવા મળ્યા હતા. શ્રમિકોના વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડ્રોન મારફતે પણ નજર રાખવામાં આવી હતી. બીજી તરફ શ્રમિકો પોતાના આગેવાનોની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આગેવાનોની આગોતરી અટકાયતને કારણે રજૂઆતની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. શ્રમિકોની મુખ્ય માંગ છે કે એમ્બ્રોડરી એકમોમાં આઠ કલાકની ડ્યૂટી નક્કી કરવામાં આવે, રવિવારે સાપ્તાહિક રજા આપવામાં આવે અને પગારમાં વધારો કરવામાં આવે. હવે શ્રમિકોના આ આંદોલન અને તેમની માંગણીઓ અંગે તંત્ર શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર રહેશે

Exit mobile version