Site icon hindtv.in

ભાવનગરમાં પોલીસનો GEN Z લોક દરબાર યોજાયો

ભાવનગરમાં પોલીસનો GEN Z લોક દરબાર યોજાયો
Spread the love

ભાવનગરમાં પોલીસનો GEN Z લોક દરબાર યોજાયો
70થી વધુ વિદ્યાર્થીઓ સાથે પોલીસનો સીધો સંવાદ
સાયબર ક્રાઇમ, ડ્રગ્સ અને સોશિયલ મીડિયા અંગે ચર્ચા
વિદ્યાર્થીઓના સવાલોના પોલીસ અધિકારીઓએ આપ્યા જવાબો

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા યુવા પેઢી એટલે કે GEN Z સાથે સીધો અને સંવાદાત્મક સંપર્ક સ્થાપિત કરવા માટે ખાસ ‘GEN Z લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોના પ્રશ્નો, વિચારો અને સૂચનો સાંભળવાની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ, સોશિયલ મીડિયા અને મહિલા-બાળ સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ભાવનગર સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા GEN Z લોક દરબારમાં જ્ઞાનમંજરી અને સરદાર પટેલ કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ અને યુવા પેઢી વચ્ચે વિશ્વાસ અને સંવાદને વધુ મજબૂત બનાવવાનો હતો. ઓપન મંચ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ મુદ્દાઓ પર પોલીસ અધિકારીઓને સવાલો કર્યા હતા. ઇવેન્ટ મેનેજમેન્ટ માટે વિવિધ સરકારી વિભાગોની મંજૂરી એક જ સ્થળેથી મળી શકે તે માટે સિંગલ વિન્ડો વ્યવસ્થા, સાયબર બુલીંગથી બચવાના ઉપાયો અને AI જનરેટેડ વીડિયો સાચો કે ખોટો છે તેની ચકાસણી સહિતના પ્રશ્નો પૂછાયા હતા. આ ઉપરાંત ફિલ્મો, વેબ સિરીઝ અને ટીવી સિરિયલ્સમાં દર્શાવવામાં આવતી સાયબર ફ્રોડ જેવી નકારાત્મક બાબતો અંગે પણ વિદ્યાર્થીઓએ પ્રશ્નો કર્યા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નોના ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય અને ASP ઘનશ્યામ ગૌતમ દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા GEN Z લોક દરબારને માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ યુવાનોને સાંભળવા અને તેમને સામાજિક સુરક્ષાની પ્રક્રિયામાં સહભાગી બનાવવાની પહેલ તરીકે ગણાવવામાં આવ્યો હતો.

Exit mobile version