સોનગઢ તાલુકાની મલંગદેવ દૂધ મંડળીમાં ₹31.37 લાખની ઉચાપતની પોલીસ ફરિયાદ
સભાસદોના નામે ખોટી એડવાન્સ રકમ ઉપાડી છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ
સોનગઢ તાલુકાના છેવાડે આવેલા મલંગદેવ ગામની શ્રી મલંગદેવ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. માં ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે. મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા સભાસદોના નામે ખોટી રીતે એડવાન્સ રકમ ઉપાડી, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે મંડળીના સભાસદોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મંડળીના મંત્રી તથા વ્યવસ્થાપક કમિટીના અન્ય સભ્યો ભેગા મળી કાવતરું રચી, સભાસદોની જાણ બહાર અથવા ગેરમાર્ગે દોરી તેમની સહીઓ અને અંગૂઠાના નિશાન મેળવી લીધા હતા. આ ખોટા દસ્તાવેજોના આધારે સભાસદોના નામે એડવાન્સ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું આરટીઆઈ અરજી દરમ્યાન ખુલાસો થયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂપિયા 31,37,222/- ની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદી સભાસદે જણાવ્યું હતું કે તેઓ ખેતી તથા પશુપાલન કરીને મંડળીમાં દૂધ ભરાવે છે અને તેમાંથી મળતી આવક પર પરિવારનું ગુજરાન ચલાવે છે. મંડળીના વહીવટમાં આવી ગેરરીતિ સામે આવતાં સભાસદોમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઇ સભાસદોએ ભેગા થઈ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ ના આધારે. સોનગઢ પોલીસે આ ઉચાપત અંગે તપાસ કરાવી લેવાની ખાતરી આપી હતી
